ગુફામાં સંપૂર્ણપણે અંધારું હતું. નાગાસાધુઓને ત્યાં મૌન સાધનામાં ડૂબેલા જોઈને રુમી અને શેખર ધ્રૂજી ઊઠ્યાં. નાગાસાધુઓ વિશે જાણવાની તીવ્ર ઇચ્છા તેમને આ ગુફા સુધી ખેંચી લાવી હતી. કેટલાક સાધુઓ ધ્યાનમગ્ન હતા તો કેટલાક સાધુઓ મૌન સાધના કરી રહ્યા હતા. હાડકાં થીજી જાય એવા તીવ્ર ઠંડીવાળા વાતાવરણમાં ગહન એકાંતમાં બેસીને એ સાધકો તપ કરી રહ્યા હતા. એમણે એમની લાંબી જટાઓને માથા ફરતે વીંટાળી રાખી હતી. તેમનું આખું અસ્તિત્વ જાણે ક્રોધની જ્વાળાઓથી ઢંકાયેલું – છતાં શાંત, સ્વસ્થ અને સાંસારિક મુશ્કેલીઓથી મુક્ત લાગતું હતું.
આ નીરવ એકાંતભર્યા સ્થળે આવતાં પહેલાં કોઈપણ વ્યક્તિ વિચાર કરે જ. પણ કંઈક અલગ કરવાનો જુસ્સો ધરાવતા લોકો ડરના મહોતાજ નથી હોતા. શેખરના ચહેરા પરથી ડર હવે દૂર થઈ ગયો હતો. રૂમી પણ પોતાની જાતને સુરક્ષિત અનુભવી રહી હતી. શું તેઓ ભૂલથી આ નિર્જન અને અંધકારમય ગુફાઓમાં આવી ચડ્યાં હતાં? શું તેમને ખબર નહોતી કે સામાન્ય માણસો માટે આ સ્થળ પ્રતિબંધિત છે? શું તેમને ખ્યાલ હતો કે આ તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવાની કઠોર સજા કેવી હોઈ શકે?
શિવભક્ત સશસ્ત્ર નાગાસાધુઓનું જીવન તેમના માટે કોઈ વણઉકેલાયેલા રહસ્યથી ઓછું ન હતું. કુંભમાં તેઓ લાખોની સંખ્યામાં દેખાય છે અને પછી કોઈને ગંધ પણ ન આવે એમ અચાનક જ ગાયબ થઈ જાય છે. નાગાસાધુઓ કોણ છે? એમનું જીવન કેવું છે? તેમને ધર્મની રક્ષા કરનારા યોદ્ધાઓ કેમ કહેવામાં આવે છે? મુઘલોએ જ્યારે ભારતવર્ષ ઉપર આક્રમણ કર્યું, લૂંટ કરી, મંદિરોને તોડ્યાં અને ભારતની પ્રજા પર કાળોકેર વર્તાવ્યો ત્યારે નાગાસાધુઓએ કેવી બહાદુરીથી તેમનો સામનો કર્યો?
આ પુસ્તક તમને નાગાસાધુઓની જીવનશૈલીનો નજીકથી પરિચય કરાવશે, જેનાથી નાગાસાધુઓ પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તમને લાગશે કે નાગાસાધુઓ સાચા અર્થમાં ધર્મ, સમાજ અને સંસ્કૃતિના રક્ષકો છે. ભારતની સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે તેમણે અનેક બલિદાનો આપ્યાં છે.
તમારું હૃદય હચમચી ઊઠે અને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવા પ્રસંગોને રસાળ શૈલીમાં રસપ્રદ રીતે આ કથામાં રજૂ કરવામાં આવ્યા છે.
તો હવે તમે પણ પ્રવેશો… નાગાઓની રહસ્યમયી દુનિયામાં…