અફઘાનિસ્તાનના હેલમન્ડ પ્રાંતમાં અફીણની ખેતી કરતા અફઘાની કબીલામાં થયેલી આંતરિક તકરારને કારણે મુંબઈ શહેરના સીધાસાદા બેરોજગાર યુવાન નીતિન ગાંધીની આખી જિંદગી ઉપર-નીચે થઈ જાય છે. ‘કહર’ એ નીતિન ગાંધીની કહાની છે.
શ્રીલંકામાં તમિલ ટાઇગર્સ સામે છૂપી લડાઈ લડતા ‘RAW’ના એન્જન્ટ સી.ઝેડ.ની સાથીદાર અને પ્રિયતમાના લોહિયાળ અને દર્દનાક અંત બાદ શું સી.ઝેડ.ની દેશ સાથેની વફાદારી દગાબાજીમાં પલટાઈ ગઈ છે? – ‘કહર’ એ સી.ઝેડ.ની કહાની છે. ગુજરાત પોલીસના પીએસઆઇ યજુવેન્દ્રસિંહ કુંપાવત જામનગર ખાતે ઇન્ટેલિજન્સના પોસ્ટિંગ દરમિયાન દરિયામાં આકાર લેનાર એક આતંકી ષડ્યંત્રનો જાણે-અજાણે ભાગ બની જાય છે. વિવાદાસ્પદ અને કાયદાની બહાર રહીને કામ કરતા કુંપાવતનો આખરે અંજામ શું આવે છે? – ‘કહર’ એ કુંપાવતની કહાની છે.
જામનગર પોલીસની એસ.ડી.પી.ઓ. સ્વાતિ નાયક પોતાના તીખા અને તેજ સ્વભાવને કારણે એના ઉપરી અધિકારીઓમાં અપ્રિય હોય છે, પણ એને કોઈના અભિપ્રાયથી કંઈ ફરક નથી પડતો. કુંપાવત સાથે મળીને એ પોતાની આગવી કાર્યપદ્ધતિથી દેશના અત્યાર સુધીના સૌથી મોટા આંતકી ષડ્યંત્રનો પર્દાફાશ કરવામાં સફળ થાય છે? – ‘કહર’ એ સ્વાતિની કહાની છે.
અફીણની ખેતી, અફઘાનિસ્તાનમાં અમેરિકન લશ્કર દ્વારા થતો ભ્રષ્ટાચાર, આંતકી નેટવર્ક, અફીણની સપ્લાય ચેઇન, રશિયન માફિયા, ‘RAW’, ગુજરાત પોલીસ અને આવા અનેક રસપ્રદ કિરદારોની વચ્ચે ઘટતી તેજતર્રાર ઘટનાઓ એટલે પાને પાને ઉત્તેજના જગાવતું આ થ્રિલર – ‘કહર’.