મુંબઈના પોશ વિસ્તારમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હીરોઇન નિશા નારંગના લક્ઝુરિયસ પેન્ટહાઉસની ટૅરેસમાં કૉકટેલ પાર્ટી ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત સફળ વ્યક્તિઓ ડ્રિન્ક્સ લેતાં લેતાં જાતજાતની ગૉસિપ તથા હસીમજાક સાથે પાર્ટી માણી રહી છે.
બૉલિવૂડની એ પાર્ટી બરાબર જામી હોય છે ત્યારે અચાનક એક અણધારી ઘટના બને છે, જે બધાને ધ્રુજાવી દે છે!
એ પાર્ટી ચાલુ હોય છે ત્યારે એ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં એક ક્ષતવિક્ષત લાશ મળી આવે છે! પછી બહાર આવે છે કે તે વ્યક્તિનું રહસ્યમય રીતે ખૂન થયું છે!
અને એ ખૂન માટે શંકાની સોય નિશા નારંગની ઝાકઝમાળભરી પાર્ટીમાં હાજર રહેલી અનેક સેલિબ્રિટીઝ સામે તકાય છે.
મુંબઈ પોલીસના બાહોશ અધિકારીઓ એ રહસ્યના તાણાવાણા ઉકેલવાની કોશિશ કરે છે, પણ રહસ્ય વધુ ને વધુ ઘેરું બનતું જાય છે…
એક પછી એક ઝડપથી બનતી ઘટનાઓથી રોલર કોસ્ટર રાઇડ જેવો અનુભવ કરાવતી, છેલ્લે સુધી જકડી રાખતી, સુપર ફાસ્ટ સસ્પેન્સ થ્રિલર.