એ ચોપાટી પર, સંધ્યાસમયની ભીડમાંથી રસ્તો કરતો દૂર સુધી રેતીમાં ખૂંપેલી હોડીઓ પાસે પહોંચ્યો.
એક હોડીની આગળ પાટિયું જડેલું હતું ત્યાં કુશાન બેઠો. સામે છેક ક્ષિતિજની ધાર સુધી દરિયો ફેલાયેલો હતો. અનાવૃત. એના ઘુઘવતાં મોજાં એના એકલાની જ સાથે ગોઠડી માંડતાં હતાં, ભુજંગની જેમ ફેણ માંડી ધસી આવતાં હતાં. સૂર્યનાં અંતિમ કિરણો એમના માથે મણિની જેમ ઝળહળતાં હતાં.
ભરતીનાં મોજાં છેક એના પગ સુધી ધસી આવી એને આહવાહન આપતાં હતાં, સાગરસફરે નીકળી પડવાનું. એ હોડીમાં હતો છતાં ન આ સફર હતી, ન કશે જવાનું હતું. હોડીની જેમ રેતીમાં એ ખૂંપી ગયો હતો.
ગઈ રાત્રે જ માએ એને સામે બેસાડી વીલ આપ્યું હતું, સપનાંની વસિયત હતી એ. અને વર્ષોથી મનની ધરતીમાં ઊંડે ધરબી રાખેલી વાત કહી હતી. એ ચમકી ગયો હતો. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલા બધા ચરુમાં હંમેશાં હીરામોતીનો ખજાનો નથી હોતો, ક્યારેક ફૂંફાડા મારતા ભોરિંગ પણ હોય છે.
એ વસિયત આપવા એકતાને અહીં બોલાવી હતી. એને ડર હતો એકતા શું કહેશે!
– વર્ષા અડાલજા