સાહિત્યમાં જરા કઠિન કામ હોય તો એ વિવેચનનું છે. ટીકામાં કેવળ જે-તે વિષયને ઉતારી પાડવાનું કામ હોય છે, જ્યારે વિવેચનમાં સારું અને નરસું, બંને તપાસ્યા પછી આખરી નિર્ણય વિવેચકે લેવાનો હોય છે ને બને ત્યાં સુધી મોટાભાગના વાચકોને એ સ્વીકાર્ય હોવો જોઈએ. ઈ.સ. 1932થી શરૂ થયેલી `ટૉકી’ ફિલ્મોથી શરૂ કરીને આજકાલ રિલીઝ થતી ફિલ્મો વિશે અલભ્ય જાણકારી અશોક દવે સરળ કરીને પીરસે છે. આજનો ખૂબ જાણીતો હીરો રણવીર સિંઘ (ભવનાણી) એક જમાનાની વૅમ્પ ચાંદ બર્કનો પૌત્ર થાય. એનાં મધરની કઝિન સુનિતા અનિલ કપૂરની પત્ની થાય!
એમની જૂની ફિલ્મોની પ્રીતિના ચાહકો ઘણા છે, એટલે એમણે પોતે ઈ.સ. 2000માં પોતાની `ફર્માઇશ ક્લબ’ શરૂ કરી, જે આજે `રજત જયંતી’ વર્ષ ઊજવી રહી છે. એમણે અમદાવાદમાં સંગીત-ક્લબનું એક એવું `મલ્ટિપ્લેક્સ’ ખોલી નાખ્યું, જે વર્ષોથી હાઉસફુલ છે. કેટલાક OTT પર રીવ્યૂ વાંચીને ફિલ્મો પસંદ કે નાપસંદ કરે છે, પણ એમની `ફિલ્મ ઇન્ડિયા’ કૉલમના વાચકો માટે આ કૉલમ જ IMDB છે.
`ફિલ્મી અશોક’ પુસ્તક નાનાં-મોટાં સૌને પરોક્ષપણે ફિલ્મ માણતાં કરી દે છે. લેખ પૂરેપૂરો વંચાઈ ગયા પછી તમને એ વાસ્તવિકતાનો ખ્યાલ આવશે કે… `અરે, હું કોઈ થિયેટરમાં નહીં, ખુદના ઘરમાં જ છું!’
નહીં જોયેલી ફિલ્મ્સ પણ ઘરે બેસી માણવી હોય તો આ પુસ્તક તમારે વાંચવું જ રહ્યું!