હિમાલયની પર્વતમાળામાં પ્રકૃતિના ખોળે વસેલું તિબેટ એક રહસ્યમય પ્રદેશ છે. રહસ્યો ધર્મનાં, અધ્યાત્મનાં, તંત્રવિદ્યાનાં. આવાં રહસ્યોનો તાગ મેળવવા શ્રી ભાણદેવજી તિબેટનો પ્રવાસ ખેડે છે, પણ એટલેથી તૃપ્ત ન થતાં અનેક પુસ્તકો દ્વારા તિબેટનો અભ્યાસ કરે છે, જેની ફળશ્રુતિરૂપે આપણને સાંપડ્યું છે આ પુસ્તક.
ભારત-તિબેટ સરહદ પરથી શરૂ થયેલી આ યાત્રા વિવિધ ગોમ્પા એટલે કે ધાર્મિક મઠો, ગુફાઓમાંથી પસાર થઈ અનેક અનુભૂતિઓની સાક્ષી બને છે. જેમાં ક્યાંક સમાજજીવન જીવતાં ગામ અને લામા વચ્ચે સર્જાયેલા વાર્તાલાપ દ્વારા આદર્શ ન્યાયપદ્ધતિની છબી સામે આવે છે તો ક્યાંક હૂંફાળા આતિથ્ય અને મીઠા આવકારનો પરિચય થાય છે. શરીરની તમામ આસક્તિઓ પર નિયંત્રણ મેળવી મનને ધ્યાનમગ્ન કરવાની વિશેષ વજ્રયાન પદ્ધતિઓનો વિસ્તૃત ઉલ્લેખ અહીં શ્રીભાણદેવજીએ સ્વાનુભવના આધારે કર્યો છે. એક સ્થળેથી બીજા સ્થળે વાયુવેગે પ્રસ્થાન કરવા લામાઓ દ્વારા વિકસાવવામાં આવેલી કાંગ જોંગ સાધના પદ્ધતિ શું છે? કોઈ પણ પ્રકારના માધ્યમ વગર સંદેશાની આપ-લે કરાવતી અલૌકિક વિચારસંપ્રેશણની રીત શું છે? અને જીવન તો ખરું જ, પણ મૃત્યુને પણ કલામય કેવી રીતે બનાવી શકાય?
આ તમામ વિષયોની સમજૂતી આપી તેનું આધ્યાત્મિક માહાત્મ્ય રજૂ કરતું આ પુસ્તક પ્રાકૃતિક સૌંદર્યની ભીતર રહેલા આધ્યાત્મિક તિબેટમાં ડોકિયું કરાવે છે. પોતાની આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરી પરમતત્ત્વ સાથે તાદાત્મ્ય કેળવવાના પંથે ચાલનાર સર્વે માટે આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે.