ભગવાન શ્રીકૃષ્ણ અને ગીતા એક જ સિક્કાની બે બાજુ. હિન્દુ શાસ્ત્રોમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ તેમના મુખે કહેવાયેલી શ્રીમદ ભગવદ્ગીતા અને તેમના દ્વારા થયેલી લીલાઓનું છે.
શ્રી ભાણદેવજી શ્રીકૃષ્ણ અને ગીતાને એક જ સ્વરૂપે નિહાળે છે અને બંનેના મહિમાને આ પુસ્તકમાં સમાવી તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
પ્રસ્તુત પુસ્તકમાં ભાણદેવજીએ શ્રીકૃષ્ણની રહસ્યમય લીલાઓ પાછળ રહેલા ગૂઢ અને સાંકેતિક અર્થોને ઉજાગર કર્યા છે અને ‘કૃષ્ણને પામવા માટે કૃષ્ણને ચાહવા’ એ વાતનું પ્રતિપાદન કર્યું છે.
વ્રજની ગોપીઓ હોય કે ગોવાળિયાઓ, ઉદ્ધવજી હોય કે શુકદેવજી, રાજા પરીક્ષિત હોય કે સ્વયમ્ બ્રહ્મા કે પછી મિત્ર સુદામા, શ્રીકૃષ્ણના સાંનિધ્યમાં આવનાર દરેકને તેમના પ્રત્યે ઉદ્ભવેલી અપાર શ્રદ્ધા અને સમર્પણ પાછળ શું કારણ હોઈ શકે તે સમજાવતા અનેક પ્રસંગોનાં અર્થસભર વર્ણનની સાથે આ પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ગીતામાં રહેલા અધ્યાત્મજ્ઞાનનાં દર્શન પણ જોવા મળે છે.
દરેક પ્રકરણમાં પ્રસંગોચિત ટાંકેલા સંસ્કૃત શ્લોકો પ્રસંગ અને લીલા પાછળ રહેલા તાત્પર્યને સમજવા માટે મદદરૂપ બને છે અને કૃષ્ણના જીવનકર્મના ઉદ્દેશને ચરિતાર્થ કરે છે.
સગુણ કે નિર્ગુણ, પ્રત્યક્ષ કે પરોક્ષ, કોઈ પણ રીતે પરમ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના કૃપાપાત્ર બનવા માગતા દરેક માટે આ પુસ્તક પથદર્શક બની રહેશે.