મહાન ગાથા મહાભારતનું એક પાત્ર શિખંડી. પોતાના પ્રથમ જન્મમાં કાશીનરેશની રાજકુમારી તરીકે જન્મેલી અંબા રાજકુમાર શાલ્વને ચાહે છે, પરંતુ હસ્તિનાપુરની વંશવૃદ્ધિ માટે ગંગાપુત્ર ભીષ્મ દ્વારા તેનું અપહરણ થતાં તેના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે. કુરુવંશનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા પિતામહ ભીષ્મ ધર્મનું આચરણ કરવા જતાં અંબા સાથે અન્યાય કરી બેસે છે.
એક અપહૃતા બનેલ અંબા પ્રેમી દ્વારા પણ તરછોડાય છે અને પોતાની આ દશા માટે જવાબદાર ભીષ્મ સામે પ્રતિશોધ લેવાની પ્રતિજ્ઞા કરે છે અને પુનર્જન્મમાં શિખંડીરૂપે અવતરી ઇચ્છામૃત્યુનું વરદાન પામેલા ભીષ્મના મૃત્યુનું કારણ બને છે. અંબાથી શિખંડી સુધીની એક નવા પરિપ્રેક્ષ્યથી રજૂ થઈ છે, જેમાં અંબાના જીવનની બાહ્ય પરિસ્થિતિની સાથે તેની ભીતર ચાલી રહેલી પીડાને પણ સંવેદનશીલ રીતે વર્ણવી છે.
વિવિધ સ્થળો, પ્રસંગો, પરિસ્થિતિઓ અને પાત્રોની મનઃસ્થિતિનું વર્ણન અનેક સુંદર ઉપમાઓ અને અલંકારો દ્વારા કરવામાં આવ્યું છે જે પુરાતનકાળની ભવ્યતાને જીવંત કરી નવલકથાને આસ્વાદ્ય બનાવે છે. ધર્મના આચરણ માટે ન્યાયને નેવે મૂકી દેતી અને એક નારીના આંતરમનને અવગણવાની પ્રથા સામે પ્રશ્ન ઉઠાવતી આ કથાનું કેન્દ્રીય પાત્ર અંબા સમગ્ર નારી જાતિનું પ્રતિનિધિત્વ કરતી જણાય છે, જે આજની નારીને પણ સ્પર્શી જશે.
પ્રેમ, પીડા અને પ્રતિશોધના ભાવોની તીવ્રતાને રજૂ કરતી આ નવલકથા વાચકને નારીના ઋજુ છતાં રૌદ્ર સ્વરૂપનો પરિચય કરાવી અનોખા ભાવવિશ્વમાં લઈ જશે.