સાગરના પેટાળમાં, તો ક્યારેક ધરતીના મધ્ય બિન્દુની શોધમાં, એટલું જ નહીં પૃથ્વીની બહાર અવકાશમાં ધુમકેતુઓ પર સફર તો ક્યારેક ચંદ્રની સફરે. જૂલે વર્નની મધ્યમ અને મહાનવલોનું વાર્તા વૈવિધ્ય વાચકોને તેના લેખનના 150 વર્ષો બાદ પણ કલ્પનાની એક અનેરી દુનિયામાં લઈ જાય છે. જૂલે વર્ને 100થી વધુ રોમાંચક નવલકથાઓ લખી હશે, પણ લઘુકથાઓ માંડ પચ્ચીસેક જેટલી લખી હશે. જૂલે વર્ને લખેલી એકદમ જુદા વિષયવૈવિધ્ય ધરાવતી ત્રણ વાર્તાઓ ‘માસ્ટર ઝયારીઅસ’, ‘બાઉન્ટીનો બળવો’ અને ‘મોં બ્લાં’ એકસાથે વાચકો સમક્ષ આ પુસ્તકમાં રજૂ થઈ રહી છે.
વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદ્ભુત છે. આ પુસ્તકની પ્રથમ વાર્તા માસ્ટર ઝચારીઅસ આવા જ ધૂની પાત્રને કેન્દ્રમાં રાખીને આલેખાઈ છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આજુબાજુની દુનિયાને ભુલાવી દે છે. જૂલે વર્ને આ વાર્તામાં વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવા પણ પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી અનેક પર્યાવરણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાઈ રહી છે.
પેસિફિક મહાસાગરની સુદૂરમાં આવેલા નાનકડા ટાપુ પિટકર્ન પર માનવ વસાહતીઓ કેવી રીતે પહોંચ્યા? તે માટે 18મી સદીના અંત ભાગમાં બાઉન્ટી નામના બ્રિટિશ જહાજ પર થયેલી બળવાની ઘટના કારણભૂત છે. જે જૂલે વર્ને વાર્તારૂપે આલેખી હતી, જે આ પુસ્તકમાં ‘બાઉન્ટીનો બળવો’ નામે રજૂ થઈ રહી છે.
સમુદ્રમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા તેના નાવિકોથી તદ્દન વિપરીત, પળે-પળે મોતને હાથતાળી આપી યુરોપની આલ્પ્સની ગિરિમાળાના સૌથી ઉત્તુંગ શિખર મોં બ્લાંને સર કરવા નીકળેલા સાહસિકની કથા ‘_મોં બ્લાં’ આ પુસ્તકની ત્રીજી વાર્તા છે. જે વાચકને એક પર્વતારોહી જેવી અનુભૂતિ કરાવશે.