Author : Ramesh Parekh (રમેશ પારેખ)
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિ શ્રી રમેશ પારેખનાં ચુનંદા સર્જનો અને તેમની સર્જનયાત્રાનો પરિચય કરાવતું પુસ્તક ‘ઇમોશન્સ’. સર્જકતાથી ફાટફાટ થતો કવિ કહો કે પછી કશુંક ભાળી ગયેલો કવિ, પોતાનાં અનન્ય કાવ્યસર્જનોથી આબાલવૃદ્ધ ગુજરાતી વાચકના હૃદયમાં સ્થાન પામનાર કવિ રમેશ પારેખ.
કવિતા, ગીત, ગઝલ, સૉનેટ, ઊર્મિકાવ્ય, હાઇકુ અને દીર્ઘકાવ્ય જેવા દરેક કાવ્યપ્રકારમાં ખેડાણ કરનાર કવિ રમેશ પારેખનાં ઉત્તમ અને લોકપ્રિય કાવ્યો એકસાથે માણવાનો અવસર એટલે ‘ર. પા.નાં ઇમોશન્સ’. તેમનાં કાવ્યોમાં વારંવાર ડોકાતી અજ્ઞાત પ્રેમિકા સોનલ, અસલ કાઠિયાવાડી મિજાજ ધરાવતા બાપુ આલા ખાચર, કુંવારી છોકરી અને પરણવા તલપાપડ થતો છોકરો, કાતરિયામાં પેસી ફિલમ પાડતો ચંદુ અને મનપાંચમનો મેળો. આ બધું જ અહીં હાજર છે.
આ સંચયની વિશેષતા છે દરેક કાવ્ય સાથે મૂકવામાં આવેલી સંજયભાઈ વૈદ્ય દ્વારા કૅપ્ચર કરાયેલી રમેશ પારેખની કૅન્ડિડ તસવીરો જે તેમના શબ્દનો ફોટોગ્રાફિક અનુવાદ હોય એટલી જીવંત લાગે છે. શબ્દસ્થ થયેલા રમેશ પારેખના ‘છ અક્ષરના નામ’ને સાડા ચાર અક્ષરમાં સમાવવાનો પ્રયાસ કરતું આ પુસ્તક ‘ઇમોશન્સ’ તેમના વિભિન્ન મિજાજને માણવાનો ઉત્સવ બની રહેશે. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને પ્રચલિત ઈ-સિરીઝનું આ પુસ્તક રમેશ પારેખના ચાહકો તેમ જ તમામ ગુજરાતી કાવ્યપ્રેમીઓ માટે એક કલેક્ટર્સ એડિશન બની રહેશે.