Author : Uttam Mevada (ઉત્તમ મેવાડા)
આજે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અસ્તિત્વ માત્ર ચલણ અને ફોટાઓ પૂરતું મર્યાદિત થઈ ગયું છે ત્યારે તેમનાં મૂલ્યોને સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુથી ઉત્તમભાઈ આ નવલકથા આલેખે છે.
દાંડીના દરિયાકિનારે વસતા એક ચુસ્ત ગાંધીવાદી સજ્જન પોતાના પૌત્રમાં ગાંધીમૂલ્યોની સમજ કેળવવા માટે વાર્તા માંડે છે. ધીમે ધીમે વાર્તામાં જોડાય છે ગામનાં બાળકો અને દાંડી સત્યાગ્રહ પર સંશોધન માટે ઉત્સુક યુવાન પત્રકાર.
સજ્જનની વાતોમાં આઝાદી પૂર્વનો ગાંધીયુગ જીવંત થાય છે અને સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવસંઘરવું, બ્રહ્મચર્ય અને જાતમહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ, અને સર્વ ધર્મ સમભાવ જેવાં ૧૧ વ્રતો વણાતાં જાય છે. આ મહાવ્રતોની સમાજ અને દેશવાસીઓ પર ઊંડી અસર પડે છે અને તે આદર્શ જીવન ઘડતરનો માર્ગ બની જાય છે. કથામાં આવતા પ્રસંગો અને ઘટનાઓમાં પાત્રો દ્વારા ગાંધીમૂલ્યોનું પાલન થતું જોવા મળે છે જે કથાને વધુ સાર્થક બનાવે છે. સાથે બાપુનાં જીવનની ઓછી જાણીતી વાતો કથાને વધુ રસપ્રદ બનાવે છે.
સરળ અને સહજ શૈલીમાં લખાયેલી આ નવલકથા આજના સમયમાં ગાંધીવિચારસરણી અને જીવનશૈલીને પ્રસ્તુત બનાવી નવી પેઢીને તેને સમજવા અને અનુસરવા માટે પ્રેરણાદાયી બની રહેશે.