'એકાન્તદ્વીપ’ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી. નાયકની આસપાસનો સમાજ એમાં ડોકાતો નથી, તેથી એનું ફલક અપેક્ષાનુસાર વિસ્તરતું નથી. એ પરિસ્થિતિમાં એને લઘુનવલ કહેતાં સંકોચ થાય એમ છે, છતાં સંજ્ઞાભિધાન અનિવાર્ય હોય તો, આ કથાકૃતિને લઘુનવલ કહીને ઓળખીશું.
કથાનો નામ વિનાનો નાયક જેલમાંથી છૂટીને નામ વિનાના ગામમાં આવી ચઢે છે. વડ નીચે ઊભો હતો ત્યાં જ બેભાન થઈ જાય છે. ફરવા નીકળેલા ડૉક્ટરનું ધ્યાન જતાં એને હૉસ્પિટલમાં લાવે છે અને સારવાર કરે છે. ડિસ્ચાર્જ થયા પછી એ આ ગામમાંથી પરદેશ ગયેલા કોઈકના ખંડેર જેવા ઘરમાં રહી જાય છે. અગાઉ એવો ઉલ્લેખ થયો છે કે ‘ગામમાં દાખલ થતાં જ સીમમાં આવેલા પહેલા ફળિયામાં બંધ ઝાંપાવાળું’ એનું ઘર છે. નાયકના મનમાં અસ્તિત્વ અંગે જાગેલા અનુત્તર પ્રશ્નો સાથે આરંભાયેલી આ કૃતિ નિ:શેષ થઈ ગયેલા અસ્તિત્વની લાગણી સાથે પૂરી થાય છે.
લેખક: વીનેશ અંતાણી
પુસ્તકનું નામ: એકાન્તદ્વીપ
પાના: 84
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી