ધર્મ અને અધ્યાત્મ ભારતીય સંસ્કૃતિ અને દર્શનવિદ્યાના બે પાયા છે. પ્રથમ દૃષ્ટિએ એકબીજાના પર્યાયવાચી લાગતા આ બંને શબ્દોના અર્થ અને ઉદ્દેશ જુદા છે.
ધર્મ અને અધ્યાત્મ વચ્ચે શું અંતર છે? બંને અલગ હોવા છતાં બંને વચ્ચે શું સંબંધ છે?
હિન્દુ સંસ્કૃતિના મૂળમાં રહેલા આ અધ્યાત્મના વિચારને ભાણદેવજી અનુભવેલા પ્રસંગોને આધારે જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ આ પુસ્તક દ્વારા કરે છે. દરેક વ્યક્તિ મૂળ આત્માસ્વરૂપ છે. એ મૂળ સ્વરૂપ સુધી પહોંચવા માટેનો પથ કયો હોઈ શકે? આ જ માર્ગે ચાલીને પરમ પદને પામેલી વિવિધ વિભૂતિઓ અને તેમની વિવિધ સાધનાપદ્ધતિ અને સોપાનોની વિસ્તૃત જાણકારી અહીં ઉપલબ્ધ છે. સાથે ઈશ્વરપ્રાપ્તિ માટે વિવિધ ભાવો સાથે કરાતી ઉપાસનાપદ્ધતિઓનો મહિમા કરાયો છે. મહાત્મા ગાંધી દ્વારા અપનાવવામાં આવેલાં સત્ય અને અહિંસાનાં સાધનો સાથે અધ્યાત્મમાર્ગ કઈ રીતે જોડાયેલો છે તેની અહીં સમજ આપવામાં આવી છે. સાથે ભગવદ્ગીતા અને રામકથા જેવા ગ્રંથોના વિવિધ પ્રસંગોમાં ગૂઢ રીતે રહેલા ધર્મ અને અધ્યાત્મ વિશેના સંકેતો અહીં ઉજાગર થયા છે. જીવનની રહસ્યમયતાથી લઈને તેની સાર્થકતા સુધી તેમ જ દુઃખને માણવાની કળાથી લઈને સમર્પણ થકી પરમ તત્ત્વને પામવા સુધીનો માર્ગ આ પુસ્તકમાં પ્રદીપ્ત કરવામાં આવ્યો છે.
વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોના નિચોડસમું આ પુસ્તક ધર્મ અને અધ્યાત્મ વિશે સ્વાધ્યાય કરી પરમચૈતન્યને પામવા ઉત્સુક અને જિજ્ઞાસુજનો માટે સહાયરૂપ બનશે.