Author : Raman Soni (રમણ સોની)
ગુજરાતી સાહિત્યપ્રકારમાં સૌથી ઓછો ખેડાયેલો અને સૌથી વધુ પડકારજનક પ્રકાર એટલે હાસ્ય નિબંધ.
એક સંશોધક, સંપાદક અને વિવેચક તરીકે પ્રખ્યાત રમણભાઈ સોની ચરિત્રનિબંધકાર અને હાસ્યનિબંધકાર પણ છે એ વાત ઓછા લોકો જાણે છે. લગભગ એક દસકા પહેલાં પ્રગટ થયેલા તેમના પહેલા હાસ્ય નિબંધસંગ્રહ બાદ તેઓ બીજો હાસ્ય નિબંધસંગ્રહ લઈને આવી રહ્યા છે. નિવૃત્તિ બાદની ઉંમરે થતા અનુભવોને હળવી રમૂજી શૈલીમાં રજૂ કરતા આ નિબંધોમાં હાસ્ય કુદરતી રીતે નીપજતું જણાઈ આવે છે. યોગાસનો શીખવાના નિષ્ફળ પ્રયાસો, લસણ ફોલવા જેવા કાર્યમાં પડતી તકલીફોનું, બેસણાની આગોતરી તૈયારી રૂપે આદરેલી સારા ફોટાની શોધ, અને વૃદ્ધ વયે પ્રવાસ ખેડવાની ઝંખના જેવા પ્રસંગોને હળવા હાસ્યનિબંધોનું સ્વરૂપ આપ્યું છે રમણભાઈએ.
હાસ્ય માટે અનિવાર્ય એવી અત્યુક્તિની સાથે જળવાયેલું પ્રમાણભાન આ નિબંધોને વધુ શીલ અને આસ્વાધ્ય બનાવે છે. એક ભાષાવિદ હોવાના નાતે રમણભાઈ દ્વારા શબ્દ પાસેથી લેવાયેલું કામ, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ, પ્રચલિત પ્રસંગોનો ઉલ્લેખ તેમની અલાયદી હાસ્ય લેખનશૈલીનો પરિચય આપે છે. એક નિવૃત્ત જીવનમાં ઊભરતી ઇચ્છાઓનું વ્યંગાત્મક નિરૂપણ સંવેદનાસભર હોવાની સાથે સર્જનાત્મક પણ છે. સરળ, સહજ અને નિખાલસ અને રમૂજી શૈલીમાં લખાયેલા આ નિબંધો વાચકને હાસ્યની હળવી સફર પર લઈ જાય છે.