મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા વધે છે.
નિરાંતની પળે જીવ વિચારનો ઝોક બદલે છે. કોઈ સદ્વાચન થયું હોય, કોઈ સાચા સંતના પ્રવચનથી પળ બુદ્ધિમય થઈ ઊઠે છે. આવી પળે માયાનું જોર ઘટે છે. પરમકૃપાળુ પરમાત્માના અસ્તિત્વનું ભાન થાય છે. આમ જીવનમાં ઘડી ઘડી મન તથા બુદ્ધિનું જોર ઓછુંવત્તું થયા કરે છે. મન માયા વિસ્તારે છે અને વ્યક્તિના બાહ્ય જીવનને સ્પર્શે છે. બુદ્ધિ પરમતત્ત્વ પ્રતિ દોરે છે. મન જોરમાં હોય ત્યારે બુદ્ધિ નિર્બળ બને છે. ક્યારેક બુદ્ધિ સબળ થવા ઉત્તેજિત થાય છે ત્યારે મન નબળું પડે છે.
આ રીતે માનવજીવન નિરંતર બે પ્રવાહે વહ્યા કરે છે. બંને પ્રવાહો અલગ છતાં ચૈતન્યથી સંકળાયેલા છે. એક પ્રવાહ માયાને કારણે ચંચળ અને ક્ષણભંગુર, તો બીજો ગંભીર અને નિત્ય.
આપણા પ્રથમ પ્રવાહના જીવન પર બીજા પ્રવાહની અસર પડતી હોય છે. વ્યક્તિને કોઈ સાંસારિક આઘાતનો ઊંડો ઘા પડે અથવા તેના પૂર્વજન્મનાં પુણ્યસંસ્કારોનો ઉદય થાય ત્યારે વ્યક્તિ માયાના મોહપાશમાંથી છૂટી જીવાત્મા તરફ ગતિ કરતા બીજા પ્રવાહમાં ધીમે ધીમે ખેંચાય છે. એવા સમયે કોઈ સાક્ષાત્કાર કોટિએ પહોંચેલા સંતના આશીર્વાદ કે કોઈ ગુપ્તશક્તિ વ્યક્તિને શાશ્વત સુખના ધામ તરફ દોરી જાય છે. આવે વખતે સાધક જ્ઞાન, ભક્તિ, કર્મ કે હઠયોગ પૈકી જે તેના સંસ્કારને અનુકૂળ પડે તે માર્ગનો આશ્રય લઈ આગળ વધે છે.
આ ગ્રંથમાં યોગમાર્ગના પરિચયની સાથોસાથ સંતોના ચમત્કારો આ દૃષ્ટિએ ખૂબ સમજપૂર્વક મૂક્યા છે. પોતે પસંદ કરેલા યોગમાર્ગે સાધક કુનેહપૂર્વક આગળ વધે તો આ અલૌકિક જીવનગતિ તેને પોતાના કેટલાયે પાછલા જન્મો સાથે પણ રહસ્યપૂર્ણ રીતે સાંકળી લેશે.