Home/ Detail Info
Back

ABOUT BOOK


`સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેન્દ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે. વળી, આ સર્વ ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાન્તર કરાવનાર ઇતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ એનું આકર્ષક પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં પણ ભિન્ન એવા સંદર્ભની કથારચનામાં પ્રતિભાની વિશેષ કસોટી છે. ગ્રીસની ભૂરચના, ઍથેન્સ નગરનો પથરાટ, અનેક દ્વિપોવાળો સાંકડો-પહોળો દરિયો, દેશાન્તરની ખાણો, દેવદેવીનાં મંદિરો અને આરાધનાવિધિઓ, ગોપાલક ગુલામો અને તેમનાં ધણ, નૌકાયુદ્ધો, મેદાની સંગ્રામો, નગરોના ઘેરાઓ, સેનાનીઓની આગેકૂચ-પીછેહઠ, ઘાયલોની અને કેદીઓની યાતનાઓ અને તેમાંય ચળકતાં વીરત્વ, ઘૃતિ અને દાક્ષિણ્ય – એ સર્વનાં આસમાની વર્ણનવો નહિ, વાસ્તવિક લાગે એવાં પ્રતીતિજનક વર્ણનો `સૉક્રેટિસ’નું આકર્ષક અંગ છે. આ બધી કથામાં અળગી વસ્તુઓ નથી, અંગરૂપ છે; કેમકે તેથી ગ્રીકજીવનની પરિપાટી પ્રત્યક્ષ થાય છે. કથાના ઉપસંહારમાં એપોલોડોરસ અને તેના થોડા જીવતા રહેલા સાથીઓ કેદમાંથી મુક્ત થાય છે એ ગૌણ પણ નવલકથાની એક વેધક ઘટના છે. એનો કરુણ અને અદ્ભુત હૃદયદ્રાવક છે. ઐતિહાસિક સત્યને શ્રી દર્શકે પ્રત્યક્ષ અને નાટ્યાત્મક કલારૂપ આપી એપોલોડોરસનો જીવનતંતુ લંબાવીને તેનાં માતાપિતાના, મીડિયાના તથા સૉક્રેટિસના જીવનતંતુ સાથે તેને વણી લીધો છે. ઐતિહાસિક ઘટનાને કલારૂપ આપી મુખ્ય વાર્તાને ગતિશીલ બનાવવાની આ યોજના નવલકથામાં વિરલ ગણાય તેવી છે.

વિવિઘ ભાવોનો ઉપસંહાર કથાના અન્તમાં આવે છે અને વાચકને જીવન વિશે ચિંતન કરતો મૂકી વિલીન થાય છે.


વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી

DETAILS


Title
:
Socrates
Author
:
Manubhai Pancholi (મનુભાઈ પંચોલી 'દર્શક'
Publication Year
:
2024
Translater
:
-
ISBN
:
9789389858938
Pages
:
292
Binding
:
Paperback
Language
:
Gujarati