Author : Naishadh Purani (નૈષધ પુરાણી)
લેખક: નૈષધ પુરાણી
પુસ્તકનું નામ: મહેફિલ With નૈષધ
પાના: 216
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા ક્યારેક વહાલી લાગે છે, પરંતુ ગમતાંનો સાથ એ નવી ચેતના છે. કેટલીય પ્રતિભાને પોતાનાં સરનામાં આ મહેફિલોએ જ આપ્યાં છે. પુસ્તકનું નામ મહેફિલ હોય એટલે સ્વાભાવિક રીતે તેની તરફ ખેંચાઈ જવાય! તેના પાને પાને શું રંગ જામ્યો હશે તે જાણવાની ઇચ્છા થઈ જાય. જોકે આ મહેફિલ ગ્રંથસ્થ થઈ એ પહેલાં, તે રેડિયોના એક કાર્યક્રમ તરીકે જન્મી હતી. રેડિયોથી શરૂ થયેલી સફર તેને ગુજરાતી મ્યુઝિક અને પોડકાસ્ટ ઍપ જલસો પર લઈ ગઈ. જલસો પર આ કાર્યક્રમ સાંભળનારો વર્ગ વિશાળ છે. તે ચાહકોએ જ આ શબ્દોને પુસ્તકનું સરનામું બતાવ્યું છે. ક્યાંક લખાતી, ક્યાંક જિવાતી તો ક્યાંક ડચકાં ખાતી જિંદગીની કથા માંડવાની જગ્યા છે. નૈષધની મહેફિલ છે આ. ક્યાંક સુખને સાવ ટેલિસ્કોપથી જુએ છે નૈષધ! કે એ એટલું દૂર લાગે કે એને સ્પર્શી પણ ના શકાય, તો ક્યાંક એમની નજરે દુઃખ પર જાણે બિલોરી કાચ મુકાઈ ગયો હોય એવું લાગે. શું આ બધા અનુભવો કોઈ બજારમાંથી ખરીદી શકાય છે? કે આસપાસની સાધારણ ઘટમાળને જોવા આટલી જુદી જુદી નજર ક્યાંય ભાડે મળે છે? કારણ કે આ મહેફિલમાં દુનિયા એટલા અનોખા અનોખા ખૂણે ઝિલાઈ છે અને લખાઈ છે કે આ બધું એક જ વ્યક્તિએ કઈ રીતે જોયું એવો સ્વાભાવિક સવાલ થઈ જાય. આ પુસ્તકનાં પાને પાને જાણે શબ્દો નહીં પણ કોઈ પ્રવાસીની આંખો છપાઈ છે, જે કોની શોધમાં નીકળી હતી એ પણ રસ્તામાં એ ભૂલી ગઈ છે. ઊબડખાબડ રસ્તેથી પસાર થઈને એ આંખોને અંતે મળી છે એક હૂંફાળી મહેફિલ.
તમે વાંચશો ત્યારે તમને અનુભવાશે આ મહેફિલ સર્જાયાનો સંતોષ અને રોમાંચ.